Saturday, December 3, 2011

ના આવડ્યું

કોઈના અંગત થતા ના આવડ્યું,
સ્વપ્નમાં પણ જાગતા ના આવડ્યું.

સાંજ પડતા, એ જ રસ્તો એ જ ઘર,
તો ય ત્યાં પાછા જતા ના આવડ્યું.

જિન્દગીભર નામ જે રટતા રહ્યા,
અંતમાં ઉચ્ચારતા ના આવડ્યું.

જે પળેપળ હોય છે હાજર સતત,
સાથ એનો પામતા ના આવડ્યું.

નીકળ્યો પગમાંથી જે મરજી મુજબ
એ જ રસ્તે ચાલતા ના આવડ્યું.

એટલે કેદી રહ્યા કાયમ અમે
ક્યાંય કાચું કાપતા ના આવડ્યું.

છે બધું પણ કૈં નથી ‘આકાશ’માં,
ભાગ્યને અજમાવતા ના આવડ્યું.

No comments:

Post a Comment